ATMમાં ચેડાં કરી છેતરપિંડી કરનાર ગઠિયાએ અનેક બેંકને શીશામાં ઉતારી

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ચાવીથી એટીએમનું મોનિટર ખોલી તેની સ્વિચ બંધ કરી દઇ એરર ઊભી કરી નાણાં મળ્યા હોવા છતાં પૈસા નહીં મળ્યાની ફરિયાદ કરી રિવર્સ નાણાં મેળવી છેતરપિંડી આચરનાર હરિયાણાના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પરપ્રાંતીય શખ્સે અનેક બેંક સાથે આ રીતે છેતરપિંડી કરી રૂ.20 લાખથી વધુ રકમ ચાંઉ કરી ગયાની કબૂલાત આપી હતી.

નાગરિક બેંક ચોક પાસે આવેલા કેનેરા બેંકના એટીએમ સેન્ટરમાં ઘૂસી એટીએમમાંથી નાણાં ઉપાડી કોઇ શખ્સે એટીએમનું મોનિટર ખોલી નાખ્યું હતું. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતની ટીમે હરિયાણાના કંસાલી ગામના અનિશ સફી મોહમદ મવ (ઉ.વ.31)ને ઝડપી લીધો હતો. પોલીસે અનિશ મવ પાસેથી અલગ અલગ બેંકના 33 એટીએમ કાર્ડ, અેટીએમનંુ મોનિટર ખોલવા માટે ઉપયોગમાં લેવાતી બે ચાવી અને એક મોબાઇલ જપ્ત કર્યો હતો. અનિશ મવે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતાના સાગરિત સાથે એટીએમમાંથી નાણાં ઉપાડવા માટેની પ્રોસેસ કરતા હતા. ત્યારબાદ ચાવીથી એટીએમનું મોનિટર ખોલી નાખતા હતા અને તેમાં સ્વિચ બંધ કરી દેતા હતા. જે રકમ સિલેક્ટ કરી હોય તે રકમ મળી જતી હતી, પરંતુ એટીએમમાં એરર ઊભી કરવાને કારણે એટીએમનો વ્યવહાર રદ (ડીક્લાઇન) થયાનો મેસેજ મળતો હતો જેના આધારે ગઠિયો જેતે બેંકમાં ફોન કરતો હતો અને બેંક તે મેસેજને આધારે જેતે રકમ રિવર્સ જમા કરતી હતી. પોલીસે અનિશના સાગરિતને પકડવા કવાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *