રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં 78માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. જેમાં 2023- 24માં સ્માર્ટ ફોન યોજનામાં 868 લાભાર્થીને 51.24 લાખ, ખેડૂત ખાતેદાર વિમા યોજનામાં 114 લાભાર્થીઓને 228 લાખની સહાય ચૂકવ્યાનુ જાહેર કરવામા આવ્યુ હતુ. તો માર્ચ પાસ્ટ બાદ 9 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનુ સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિના ગીતો પર નૃત્ય કરી માતૃ વંદના કરી હતી.
ચેતન ગાંધીએ રાજકોટ જિલ્લાની વાત કરતા કહ્યું હતું કે, ખેડૂતબંધુઓના આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ 2023-24માં સ્માર્ટ ફોન યોજનામાં 868 લાભાર્થીને 51.24 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ખેડૂત ખાતેદાર વીમા યોજના અંતર્ગત વર્ષ 2023- 24માં 114 લાભાર્થીઓને રૂપિયા 228 લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ બાળકો, કિશોરીઓ અને માતાઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આઈ.સી.ડી.એસ. વિભાગ મહત્વની કામગીરી કરી રહ્યું છે.