ગોંડલ પાસે મહિલા કારચાલકે બાઈકચાલક યુવાનને અડફેટે લેતા મૃત્યુ નિપજ્યાના બનાવમાં પરિવારની ન્યાયની ઝંખના

ગોંડલ પાસે 29 જૂને મહિલા પ્રોફેસરે કારથી બાઇકસવાર યુવાનને અડફેટે લીધો હતો. આથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે, પરિવારે આ હિટ એન્ડ રનના કેસમાં પોલીસે હળવી કલમ લગાડ્યાનો આક્ષેપ કર્યો છે. વાસાવડ ગામે રહેતા મુન્નાભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મારો મોટો પુત્ર પાર્થ ત્રિવેદી રાજકોટમાં શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા. 29 જૂન, 2024 ના સવારે 5.30 વાગ્યે તે બાઈક પર નોકરીએ જતો હતો ત્યારે ગોંડલ પાસેના રૂપાવટી ના પુલ પરથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન GJ 14 AP 8017 નંબરની સ્વિફ્ટ કારે હડફેટે લીધો હતો અને તે કાર જતી રહી અને મારા પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જે ઘટનાના બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, જેથી અમે રાહ જોતા હતા કે આરોપીની ક્યારે ધરપકડ થાય. કાર ચાલક હતા રીંકલબેન બાબુભાઈ ગોહિલ. બાબુભાઈ તેમના પિતાનું નામ છે. ચિતલના રહેવાસી બાબુભાઈ કંડક્ટર છે. રીંકલબેન પ્રોફેસર છે અને પીએચડી કરેલું છે. જે અમરેલી જતા હતા તેવું જાણવા મળેલું છે. જેમના પતિ નૈમિશ ભાલુ જે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છે. વેલ એજ્યુકેટેડ પરિવાર હોવા છતાં રીંકલબેન ત્યા ઉભા ન રહ્યા અને અકસ્માત સર્જી નાસી છૂટ્યા. જેમાં અમે ધરપકડની રાહ જોતા હતા પરંતુ ધરપકડ ન થઈ જે બાદ અમને જાણવા મળ્યું કે, આ હિટ એન્ડ રનનો કેસ તો છે જ પરંતુ તેમાં 304 Aની કલમ લગાવવામાં આવેલી છે. જેથી તેમા ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે પરંતુ તે જામીન પાત્ર ગુનો છે. જોકે હાલ તેમાં ધરપકડ પણ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *