યાત્રા મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ચૂકી છે. એક તરફ કોંગ્રેસ પીડિત પરિવારો માટે ન્યાય યાત્રા કરી રહી છે તો ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસ સામે આક્ષેપ કરતા આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે અને પીડિતોના ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી જનતાના આશીર્વાદથી શાસન કરી રહી છે.
રાજ્યમાં પ્રથમ તિરંગા યાત્રાનો પ્રારંભ રાજકોટ શહેર ખાતેથી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, સી. આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રા શરૂ કરી લગભગ દોઢ કિલોમીટરની જયુબેલી બાગ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સયુંકત ઉપક્રમે આ તિરંગા યાત્રાનું આયોજન કરવા આવ્યું છે. તિરંગા યાત્રામાં દર 150-200 મીટરના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિના ગીતો અને રંગો સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.