રાજકોટ અગ્નિકાંડના 27માંથી 15 પરિવારે યાત્રામાં ન જોડાવા એલાન કર્યુ

રાજકોટમાં કોંગ્રેસની ન્યાયયાત્રા પૂર્વે ભાજપે ખેલ પાડ્યો હોવાનું સામે આવ્યું છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડના 27માંથી 15 જેટલા પરિવારોએ ન્યાયયાત્રામાં ન જોડાવાનું એલાન કર્યું છે. આ સાથે પરિજનોએ કહ્યું છે કે, ન્યાયયાત્રામાં જોડાવાથી ન્યાય મળવાનો નથી, ન્યાય તો કોર્ટમાંથી મળશે. હાઇકોર્ટમાં સ્પેશિયલ પીપી તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવા માટેની માંગણી ભાજપ સરકારે સ્વીકારી છે, જેથી અમને રાજ્ય સરકાર પાસેથી ન્યાયની પૂરેપૂરી આશા છે. અમે રાજકારણ કરવા માગતા નથી, જેથી હવે કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાવાના નથી. વધુમાં પીડિત પરિવારની મહિલાએ કહ્યું કે, ગઇકાલે ભાજપના લોકો અમારા ઘરે આવ્યા હતા અને બધાને ભેગા થવા જણાવ્યું હતું.

રાજકોટ TRP ગેમ ઝોન પીડિત પરિવારના પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ન્યાયયાત્રામાં કોઈ ન્યાય આપી શકતું નથી. ન્યાયયાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બેથી ત્રણ મહિના સુધી ન્યાયયાત્રામાં જવું જોઈએ. જોકે, અમારા જે 15 પરિવારો છે, તેઓ આ ન્યાયયાત્રામાં જોડાવાના નથી. સરકાર અમારી માંગ સ્વીકારવા માટે તૈયાર છે તો પછી ખોટું દોડવાનો કોઈ મતલબ નથી. ન્યાયયાત્રામાં તેઓના રોટલા શેકવાની વાત છે. ન્યાયયાત્રા હોય કે તિરંગાયાત્રા, અમને તેમાં કોઈ રસ નથી. અમારી હાઇકોર્ટમાં સ્પેશિયલ પીપી અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગણી છે. ન્યાય કોર્ટ આપી શકે છે અને તેના માટે ઊંચી ફી લેવામાં આવે છે, જેમાં સરકાર સપોર્ટ કરે તે મોટી વાત છે. આમાં અમુક પરિવારમાં મહિને રૂ.10,000 પણ આવતા નથી, જેમાં પણ સરકાર સપોર્ટ કરે છે. જે લોકો ન્યાયયાત્રામાં જોડાવાના છે તે બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બધાની મેન્ટાલિટી અલગ-અલગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *