પડધરીના ખામટા ગામે રહેતી હેતલ ભરતભાઇ વાઘેલા (ઉ.20)એ તા.22ના પોતાના ઘેર પાઇપમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારજનોને જાણ થતા તેને ઉતારી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સોમવારે સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે પડધરી પોલીસે તપાસ કરતાં મૃતક યુવતી બે ભાઇમાં એકના એક બહેન અને મોટી હોવાનું અને રાજકોટમાં ગીતાંજલિ કોલેજમાં બી.કોમ.મા અભ્યાસ કરતી હોય અને અપડાઉન કરતી હતી. પોલીસની વધુ તપાસમાં મૃતકના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને હેતલની કોલેજમાં ફી ભરવાની બાકી હોય અને બે માસનો અભ્યાસ ચૂકી જતા હવે સઘળો અભ્યાસ ચૂકાઇ જશે તેવી ચિંતામાં પગલે ભરી લીધાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.