ગત 5 જુલાઈના રોજ રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વિઝિટ દરમિયાન પિપળિયા ગામમાંથી અંગ્રેજી માધ્યમની બોગસ સ્કૂલ મળી આવી હતી. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ છેલ્લા 6 વર્ષથી ધમધમી રહી હતી. આ બોગસ સ્કૂલમાં અન્ય આઠ ખાનગી સ્કૂલની પણ સંડોવણી બહાર આવી હતી. ઘટનાના 15 દિવસ બાદ પણ પોલીસ દ્વારા એકપણ સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ત્યારે પોલીસ આ મામલે ભીનું કેમ સંકેલી રહી છે, તે સવાલ ઉદભવી રહ્યો છે.
રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળેલી માહિતી મુજબ, વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ ન આપવાની ફરિયાદના આધારે 5 જુલાઈના કાત્યાયનીબેન તિવારીની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં રૂખસાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે, ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા.