સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક ભવનોમાં અત્યાર સુધીમાં થયેલા પ્રવેશના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે, જે ચોંકાવનારા છે. કેમ કે, તેમાં 1,563ની ઇન્ટેક કેપેસીટી સામે 990 વિદ્યાર્થીએ જ એડમિશન લીધા છે. એટલે કે, 573 જગ્યાઓ ખાલી રહી છે. જેમાં અમૂક ભવનો તો એવા છે કે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 2 આંકડાને પાર પણ જતી નથી. વિદ્યાર્થીઓની સંખ્યા 3, 4, 5, 8 અને 10 એ રીતે જોવા મળી રહી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ચિંતાજનક બાબત છે. એટલે જ હવે કાર્યકારી કુલપતિએ ભવન અધ્યક્ષોને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે તાકીદ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ડિપાર્ટમેન્ટમાં લો એકઝીમ (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ લો) વિષયમાં 2, નેનો સાયન્સ, બાયો કેમેસ્ટ્રી અને આંકડાશાસ્ત્ર વિષય સાથે માસ્ટર ઓફ કોમર્સમાં 3, ઇલેક્ટ્રોનિક્સમાં 4, બાયો ટેકનોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સ, માર્કેટિંગમાં માસ્ટર ઓફ કોમર્સમાં 5, પત્રકારત્વમાં માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં 6, કોમ્પ્યુટર સાયન્સ સાથે માસ્ટર ઓફ કોમર્સ, તત્વજ્ઞાન, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં 7, લો ડિપાર્ટમેન્ટમાં બેન્કિંગ લો અને મનોવિજ્ઞાનમા PGDCCમાં માત્ર 8 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આ ભવનો એવા છે કે, જેમાં બે આંકડામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ નથી.