રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી, બીયુ પરમિશન સહિતના મુદ્દાઓને લઈને તંત્ર આકરું બન્યું છે. તેની સામે કોંગ્રેસે પણ વિવિધ પ્રશ્ને બાંયો ચડાવી છે. જે મામલે વિરોધ પ્રદર્શન માટે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સોમવારે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ નરેશ સાગઠિયાના જણાવ્યા અનુસાર રાજકોટની ગુજરી બજાર 40 વર્ષથી ભરાય છે પણ ત્યાંના લોકોને હવે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે. તેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને આવેદન આપવામાં આવશે. આ માટે સૌથી પહેલા શહેરના ત્રિકોણબાગ ઢેબરભાઈની પ્રતિમા શાસ્ત્રી મેદાન સામે કાર્યકરો એકઠા થશે ત્યાંથી રેલી કાઢવામાં આવશે. આ માટે પોલીસને પણ જાણ કરીને મંજૂરી માગવામાં આવી છે.