રાજકોટ શહેરમાં સુર્યોદય સોસાયટીમાં રહેતાં હંસાબેન પરબતભાઈ ડાંગર (ઉ.વ.38) નામના મહિલાએ ગત તા. 5 જુલાઈ 2024ના રોજ એસિડ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં આજ રોજ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર હંસાબેનના લગ્ન 19 વર્ષ પહેલાં થયા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હંસાબેનના પતિ તેણીને મુકીને જતાં રહ્યા બાદ હાલ મેટોડા તરફ અન્ય એક મહિલા સાથે રહે છે. આ કારણે હંસાબેન સતત ચિંતામાં રહેતાં હતાં અને સંતાનોની પણ ચિંતા થતી હતી. ગત તારીખ 5 જુલાઈના રોજ તેણીના કુટુંબીજનો કેશોદના ધ્રાબાવડ ગામે લૌકિક ક્રિયામાં ગયા ત્યારે તે ઘરે એકલા હતા તે સમયે એસિડ પી લીધુ હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.