રાજકોટ શહેરના રૈયા ગામમાં રહેતાં યુવાન સાથે તેના જ એક મિત્ર અને મિત્રના ભાઇ સહિત ત્રણ લોકોએ ગુનાહિત કાવત્રુ રચી કાર ભાડેથી મેળવી મહિને 32 હજાર આપશે તેવી લાલચ દઇ શરૂઆતમાં આ રકમ નિયમિત રીતે ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ રૈયાના યુવાનને તેના મિત્રો પરિચિતોની કાર પણ હોય તો ભાડેથી અપાવવાની વાત કરતાં આ યુવાને પોતાના અને મિત્ર હસ્તક 1 કરોડ 9 લાખ 50 હજારની 12 ગાડીઓ અને 1 બુલેટ ભાડેથી આપતાં બે સગા ભાઇઓ સહિતની ત્રિપુટીએ આ તમામ કાર અને એક બુલેટ બારોબાર ગીરવે મૂકી દઇ કે વેંચી કારસ્તાન આચરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ ચાંદની મંડપ સર્વિસની બાજુમાં મહાકાળી માતાજીના મંદિર પાસે જે કે પાર્કના ખૂણે રહેતાં અને છુટક મજૂરી કરતાં જાવીદશા ઇસ્માઇલશા શાહમદાર (ઉ.વ.35)ની ફરિયાદ પરથી જામનગર રોડ નાગેશ્વર સોસાયટી સિધ્ધાર્થ ગોલ્ડ એપાર્ટમેન્ટના ત્રીજા માળે 302-બીમાં રહેતાં શ્લોક મોનભાઇલ શુકલા, તેના ભાઇ હર્ષિલ મોનલભાઇ શુક્લા તથા અમિત મધુકરભાઇ ત્રિવેદી વિરૂધ્ધ IPC 406, 420, 120-બી, 114 મુજબ કાવત્રુ ઘડી જાવીદશા સહિતના અલગ-અલગ 13 લોકોની જુદી-જુદી 13 કાર ભાડેથી મેળવી બાદમાં બારોબાર ગીરવે મૂકી દઇ રૂ.1,09,50,000ની ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.