કેદીનું હાર્ટએટેકથી મોત, પરિવારજનોનો તબીબો સામે આક્ષેપ

રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદીને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. તબીબોએ પૂરતો પ્રયાસ નહીં કર્યાનો અને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનો આગ્રહ કરી મૃતકના પરિવારજનોએ દેકારો કરતાં થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો.

જિલ્લા ગાર્ડન પાસેના ઘાંચીવાડમાં રહેતા અને મધ્યસ્થ જેલમાં રહેલા ઇરફાન અબ્બાસ પટણી (ઉ.વ.48)ને મંગળવારે સાંજે છાતીમાં દુખાવો ઉપડતાં જેલના સિપાહી ધર્મેશ ડોડિયા સહિતનો સ્ટાફ તેને લઇને હોસ્પિટલે પહોંચ્યો હતો. તબીબોએ અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ ઇરફાનનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલે હાજર પટણી પરિવારના સભ્યોએ ડોક્ટરે સમયસર યોગ્ય સારવાર નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો તેમજ ઇરફાનને ખાનગી હોસ્પિટલમાં લઇ જવો છે તેવી માંગ કરતાં થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇરફાન એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે 2022માં ઝડપાયો હતો અને ત્યારથી તે મધ્યસ્થ જેલમાં હતો. મંગળવારે સાંજે ઇરફાનની તેના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત હતી. જેથી પરિવારજનો જેલે પહોંચ્યા હતા. મુલાકાત ચાલુ હતી ત્યારે ઇરફાનને છાતીમાં દુખાવો ઉપડતાં મુલાકાત ટૂંકાવી હતી અને ઇરફાનને લઇ સિપાહી સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. કેદી ઇરફાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *