માધાપર ચોકડી ઓવરબ્રિજ નીચેનો એક તરફનો રસ્તો 10 માસે ખુલશે

રાજકોટ, જામનગર, મોરબી ઉપરાંત અમદાવાદ, ચોટીલા, વાંકાનેરથી આવતા જતા ઔદ્યોગિક અને મુસાફરો વાહનોમાં રોજ 1 લાખથી વધુ મુસાફરોને ટ્રાફિકજામની પીડા આપતા માધાપર ચોક ઉપર જામનગર રોડ પર રૂ. 60 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું સપ્ટેમ્બર- 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ મેચ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ હાજર રહીને લોકાર્પણ કર્યું હતું. જો કે, સિવિલ હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી જતા ઓવરબ્રિજની નીચેનો ડાબી તરફનો રસ્તો વોરા સોસાયટીના પ્રશ્નને કારણે બંધ હતો. પરંતુ હવે 9 માસ બાદ જમીન સંપાદન થઈ જતા જુલાઈ અંત અથવા ઓગસ્ટ માસમાં એક તરફનો બંધ રસ્તો ખુલ્લો થઈ જતા વાહનચાલકોની મુશ્કેલી દૂર થશે અને સિવિલ હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી બ્રિજ નીચેથી જતા વાહનચાલકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવું નહીં પડે.

રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, માધાપર ચોકડી ઓવરબ્રિજ પાસે વોરા સોસાયટીના કોમન પ્લોટના પ્રશ્નને લીધે એક તરફનો સ્લીપલેન બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેનું પઝેશન લેવાનું બાકી હતું. પરંતુ હવે વહીવટી પ્રક્રિયા કરી જમીન સંપાદન કર્યા બાદ વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. હવે કોઈ વિરોધ નથી, જેથી તેનો કબજો એક બે દિવસમાં લઈ લેવામાં આવશે અને આ રસ્તો એક માસમાં તૈયાર થઈ જશે. જેથી હવે સિવિલ હોસ્પિટલ ચોક તરફથી માધાપર ચોકડી તરફ જતા ડાબી તરફનો સર્વિસ રોડ ખુલ્લો થઈ જશે અને ત્યાંથી વાહનચાલકો પસાર થઈ શકશે. જેથી સિવિલ હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ બ્રિજ નીચેથી જવા માગતા વાહનચાલકોને રોંગ સાઈડમાં જવું નહીં પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *