રાજકોટનાં માલવિયાનગર ફાટકે દુર્ધટના અટકી

રાજકોટનાં માલવિયાનગર ફાટકે મોટી દુર્ધટના અટકી હતી. જેમાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ કરાયું નહોતું અને ટ્રેન પહોંચી ગઇ હતી. જોકે, પાયલોટની સમયસૂચકતાને કારણે તેણે ટ્રેન ધીમી પાડી હતી અને ફાટકની નજીક હાજર લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હતો. જેને લઈને દુર્ઘટના અટકી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સ્થાનિકોએ કર્મચારી ફરજ પર સૂઇ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કારણે ફાટકમેનને સસ્પેન્ડ કરી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ માલવિયાનગર પાસે આવેલ ફાટક નંબર-11 ટ્રેનના આવવાના સમયે બંધ કરી નહોતી. જેને લઈને ત્યાં હાજર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ આ સ્થળે હાજર લોકોએ ટ્રેન સમયે રેલફાટક બંધ ન કર્યાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ વીડિયો રાત્રિના 12 વાગ્યે ગુડઝ ટ્રેન આવી રહી હતી ત્યારનો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ફાટકમેન સુમિતકુમારને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હાલ આ અંગે ડીઆરએમના અધ્યક્ષ સ્થાને ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *