ફાયર NOC-સેફ્ટીના ચેકિંગ વચ્ચે શાળાઓ શરૂ

રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શાળાઓમાં શૈક્ષણિક ક્ષેત્રના આજે પહેલા દિવસે વિદ્યાર્થીઓના હસ્તે હવન અને પૂજન કરાવી વિદ્યારંભ કરાવાશે. રાજકોટ જિલ્લામાં ધોરણ 1થી 12માં અંદાજિત 5.50 લાખ વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક ક્ષેત્રનો 13 જૂનને ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની જેમ ખાનગી શાળાઓમાં પણ પ્રવેશોત્સવના આયોજન કરાયા છે. રાજકોટ ગેમ ઝોનકાંડ બાદ છેલ્લા કેટલાક દિવસથી શાળાઓમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 100થી વધુ શાળા સીલ પણ કરાઈ હતી, પરંતુ આ તમામ વિવાદ બાદ આજથી શાળાઓ શરૂ થઇ રહી છે.

શિક્ષણ બોર્ડ હસ્તકની સ્કૂલમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીને કારણે વેકેશનની તારીખમાં ફેરફાર કર્યો હતો. 9 મેથી વેકેશન શરૂ થયું, જે 12 જૂને પૂર્ણ થયું અને 13મીથી નવા સત્રનો પ્રારંભ થયો છે. શિક્ષકો ચૂંટણી કામગીરીમાં જોડાયા હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 9મી મેના રોજ શરૂ થયેલું વેકેશન 35 દિવસ ચાલ્યું અને આજથી શાળાના નવા સત્રનો પ્રારંભ થયો છે. નવા શૈક્ષણિક ક્ષેત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓનું શાળામાં કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવશે. બાળકોને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય, અભ્યાસમાં તેજસ્વી બને તે માટે અને ખાનગી શાળાઓમાં આજે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે યજ્ઞ, ગણપતિ અને સરસ્વતી પૂજન કરવાનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *