મહાનગરપાલિકા દ્વારા ફાયર NOC, BU સર્ટિ વિનાની શાળાઓને સીલ કરી દેવામાં આવી છે. સીલ શાળાઓ ખોલવા માટેની મંજૂરી માત્ર પૂર્તતા કરવા માટે અપાઈ છે. જોકે ફાયર NOC સર્ટિફિકેટ કે BU સર્ટિફિકેટ નથી મળેલું તેવી શાળાઓ આવતીકાલથી શરૂ નહીં થઈ શકે. જેથી આજે ખાનગી શાળા સંચાલક મંડળની સાથે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો મનપા કચેરીએ દોડી ગયા હતા અને પ્રોવિઝનલ ફાયર NOC અથવા બાંયધરી પત્ર સાથે શાળાઓ આવતીકાલથી શરૂ કરવા દેવા માંગ કરવામાં આવી હતી અને જો તેવું નહીં થાય તો વિદ્યાર્થીઓના શિક્ષણને ગંભીર અસર પડશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમે રાજ્યનાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરત ગાજીપરા સહિતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. ઇમ્પેકટ ફી નો કાયદો અમલમાં છે અને તેના આધારે જે શાળાઓએ બીયુપી (બિલ્ડીંગ યુઝ પરમિશન) સર્ટિ માટે અરજી કરેલી હોય અને ફાયર NOC હોય તો શાળા શરૂ કરવા માટેની તક મળવી જોઈએ. આ ઉપરાંત ફાયર NOC માટે અરજી કરેલી હોય તેવી શાળાઓને શિક્ષણના વ્યવહારુ હિતમાં ઝડપથી ફાયર NOC આપી દેવું જોઈએ.