આડેધડ કરાતા સીલ સામે વેપારી-શૈક્ષણિક સહિત 60 એસો.ના કોર્પોરેશનમાં ધામા

રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળા વગેરે આડેધડ સીલ કરવામાં આવી રહ્યા છે. જેથી ધંધા-રોજગાર પ્રભાવિત થયા છે. ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશનને કારણે વેપારીઓની ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. વેપારીઓ તમામ નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે, પરંતુ વ્યવહારુ અભિગમ નહિ અપનાવતા જે મુશ્કેલીઓ પડી રહી છે તેનો વિરોધ કરવા માટે આજરોજ અંદાજિત 1 હજારથી વધુ વેપારીઓ, શાળા સંચાલક એસો. અને તબીબો વગેરે મ્યુનિસપલ કમિશનરને સવારે 11.00 કલાકે મળશે. વહીવટી તંત્રના અણઘડત નિર્ણયને કારણે પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સોમવારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે બેઠક મળી હતી. જેમાં અંદાજિત 60થી વધુ એસો.ના સભ્ય જોડાયા હતા. બેઠકમાં એવો સૂર ઉઠ્યો હતો કે, ફાયર એન.ઓ.સી. તથા બી.યુ. પરમિશનના કારણે જે સીલ મારવામાં આવી રહ્યા છે. તે તાત્કાલિક ખોલી આપીને સમગ્ર કામગીરી માટે પૂરતો સમય આપવામાં આવે. આ કાર્યવાહીમાં સાચા વેપારીઓ દંડાઈ ન જાય અને ખોટા સામે કાર્યવાહી બાકી ન રહી જાય તે મુજબનો અભિગમ અપનાવવો જોઇએ. જે વેપારીઓએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશનની કામગીરી પૂર્ણ કરેલ છે, પરંતુ તેની દુકાન સીલ મારેલું હોવાને કારણે આગળની કાર્યવાહી થઇ શકે તેમ નથી. જ્યારે આ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરી તો એવો જવાબ મળે છે કે, હાલમાં સીલ ખોલવા માટેનો સ્ટાફ પૂરતા પ્રમાણમાં નથી એટલે સમય લાગશે. દુકાનના સીલ નહિ ખૂલવાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર ઠપ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *