શાળાઓમાં વેકેશન લંબાવવાની ઓછી સંભાવના

રાજકોટ સહિત રાજ્યમાં હજુ પણ હીટવેવની અસર જોવા મળી રહી છે અને સતત ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે રાજ્યના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી શાળાઓનું ઉનાળુ વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી છે. રાજ્યમાં 13 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે સંચાલક મંડળ દ્વારા 20 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ભલામણ કરવામાં આવી છે. પરંતુ શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. 13 જૂનથી શાળાઓમાં વેકેશન ખૂલવાનું છે અને 8થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસું બેસી જવાની અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે તાપમાન ઘટી શકે છે. તેથી શાળાઓમાં વેકેશન લંબાવવાની સંભાવના નહીંવત્ જોવા મળી રહી છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા પણ હજુ સુધી વેકેશન લંબાવવા માટે કોઈ સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો નથી.

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે, જે ચાર દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. 9 જૂનના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. કેટલાક શિક્ષણવિદો પણ જણાવે છે કે, શિક્ષણ વિભાગે 12 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું હતું. 13 જૂનથી શાળાઓ શરૂ થવાની છે અને ત્યાં સુધીમાં તો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી ચોમાસાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઘટશે તેથી ગરમીને કારણે વેકેશન લંબાવવાની સંભાવના ઓછી જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *