26 નવેમ્બર, 2020ની એ અંધારી રાત કે જ્યારે કોરોનાથી જીવ બચાવવા શહેરના આનંદ બંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ આઈસીયુમાં લાગેલી આગમાં ભડથું થઈ ગયા હતા. આ આગ લાગી તે બદલે સરકારે સીટની નિમણૂક કરી હતી અને હોસ્પિટલના સંચાલક એવા ગોકુલ હોસ્પિટલના ડો. પ્રકાશ મોઢા સહિતના તબીબોની ધરપકડ કરી હતી. આ અગ્નિકાંડ ખૂબ ગાજ્યો હતો પણ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફરી આ ગોઝારી ઘટના યાદ આવી છે. કારણ કે, આ ઘટનામાં બેદરકારીનો જેના પર આરોપ હતો અને ધરપકડ થઈ હતી તે ગોકુલ હોસ્પિટલમાં ગેરકાયદે માંચડો મળ્યો છે જેને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે.
ગોકુલ હોસ્પિટલના સંચાલકોની બેદરકારીથી કોરોનાના છ દર્દી આગમાં મોતને ભેટ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ફાયર એનઓસી અને ટી.પી.ના નિયમોનું આકરું પાલન કરવામાં આવ્યું હતું. તે જોતા ગોકુલ હોસ્પિટલમાં તો ખાસ તપાસ પણ થઈ હતી જોકે આ તપાસ બાદ ફરી ડો.પ્રકાશ મોઢાએ પોતાની હોસ્પિટલમાં ગેરકાયદે તેમજ આગ લાગે ત્યારે લોકો ભાગી ન શકે તેવું ગેરકાયદે બાંધકામ કરી નાખ્યું હતું.
હાલ ટીઆરપી અગ્નિકાંડને લઈને મનપાએ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે ત્યારે એક ટીમ ગોકુલ હોસ્પિટલ પહોંચી હતી. તપાસ કરતા પાર્કિંગ માટેના સેલરમાં ઓફિસ બનાવી નખાઈ હતી તે બદલ આખું સેલર સીલ કરી દેવાયું છે. આ ઉપરાંત હોસ્પિટલની પાસેની જ બિલ્ડિંગ હોસ્પિટલે ખરીદી છે જેનો પ્રવેશ પાછળની શેરીમાં છે. આ બિલ્ડિંગ રહેણાક હેતુની છે પણ ત્યાં કોમર્સિયલ ઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો. ખાસ કરીને ત્રીજા માળે કેન્ટીન બનાવી દેવાઈ હતી જેને લઇને મનપાની ટી.પી. શાખાએ ત્રીજો માળ પણ સીલ કરી નોટિસ ફટકારી છે.