શાહરુખ ખાન KD હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે 21 મેના રોજ આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને લૂ લાગી જતાં ગઈકાલે બપોરે એટલે કે, 22 મેના રોજ KD હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. શાહરુખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હોવાથી તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. KD હોસ્પિટલમાં જે ગેટ પર મીડિયા શાહરુખ ખાનની એક નાની ઝલક શૂટ કરવા માટે તૈયાર હતી તેના બદલે તમામ મીડિયાને થાપ આપીને શાહરુખ ખાન હોસ્પિટલના અન્ય ગેટથી એરપોર્ટ જવા રવાના થયો હતો. જોકે હાલ શાહરુખ તેમની પત્ની સહિત અન્ય ટીમના સભ્યો સાથે અમદાવાદ એરપોર્ટના જી-એ ટર્મિનલ પહોંચીને ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ જવા રવાના થયા છે.

કે.ડી. હોસ્પિટલના આઠમાં માળે વીઆઈપી રૂમ નંબર 839માં શાહરુખ ખાનને રાખવામાં આવ્યો હતો. શાહરુખ ખાને હાઈ ગ્રેડ ફિવર હોવાનું કહેતા જ તેને હોટલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને વાઇરલ ઇન્ફેક્શન, ફેફસામાં પણ અસર હોવાનું હોસ્પિટલના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શાહરૂખના સ્વાસ્થ્ય અંગે તેની બિઝનેસ પાર્ટનર અને બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, હાલ શાહરૂખની તબિયત સારી છે અને મને આશા છે કે, તે KKRનો ઉત્સાહ વધારવા માટે આઈપીએલ ફાઇનલમાં સ્ટેન્ડમાં હાજર રહેશે. મંગળવારે શાહરૂખની તબિયત સારી નહોતી છતાં તે સ્ટેડિયમમાં હાજર હતો. જો કે હવે તેને સારું છે. વીકેન્ડમાં તે ટીમને ચીયર અપ કરતો સ્ટેન્ડમાં જોવા મળશે. KD હોસ્પિટલની અંદર ખૂબ જ સામાન્ય સ્થિતિ હતી. અન્ય દર્દીઓ સારવાર માટે આવી રહ્યા હતા અને ડિસ્ચાર્જ લઈને જઈ રહ્યા હતા. હોસ્પિટલમાં રિસેપ્શન પાસે 2 પોલીસ જવાન તહેનાત હતા. એક પણ સ્ટાફ મેમ્બર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાયો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *