રાજકોટ જિલ્લામાં આજથી સરકારી કર્મચારીઓના પોસ્ટર બેલેટથી મતદાનનો પ્રારંભ થયો હતો. રાજકોટ શહેરના 4 મળી એમ કુલ 7 ફેસિલિટેશન સેન્ટર ઉપરથી સરકારી કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે 12,000 પોસ્ટલ બેલેટ તૈયાર કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્રો ઉપર ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓ માટે મતદાનના દિવસ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓ સહિતના ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ મતદાન કરાવી રહ્યા છે.
રાજકોટ-68ના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીએ જણાવ્યું હતું કે, હાલ એ.એસ. ચૌધરી હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટથી વોટિંગ ચાલી રહ્યુ છે. આવશ્યક સેવાઓના કર્મીઓ ઉપરાંત પોલીસ કર્મચારીઓની સાથે લોકસભા વિસ્તારના સરકારી કર્મચારીઓ હાલ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે. હું પોતે મહેસાણાની મતદાર છું અને આજે અહીં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. પોલીસના 500 સહિત 1,037 સરકારી કર્મચારીઓ 2 દિવસમા મતદાન કરશે. જે માટેની તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.