શેરમાર્કેટ માટે એપ્રિલ 2024 ફરીથી શુકનવંતો સાબિત થશે

વૈશ્વિક સ્તરે ભારતનો મજબૂત ઇકોનોમી ગ્રોથ, બહૂમત સાથે સ્થિર સરકારનો આશાવાદ, વિદેશી રોકાણકારોનો સતત વધી રહેલો ભારતીય શેરબજાર પરનો ભરોસો તેજીને વેગ આપનારો બની રહેશે. શેરમાર્કેટમાં આ મહિને પણ મજબૂતીનો અણસાર છે. ચાલુ માસમાં અત્યાર સુધીમાં સરેરાશ બે ટકાની તેજી થઇ ચૂકી છે. 10 એપ્રિલ એટલે કે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી અંદાજે 0.50%ની તેજી સાથે નવી ઉંચાઇ પર બંધ રહ્યાં હતા.

ગત વર્ષે એપ્રિલમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 4%થી વધુ વધ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં 6 વર્ષ દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. 2020માં તેમાં રેકોર્ડ 14.7%નો ઉછાળો આવ્યો હતો. મહત્વની વાત એ છે કે છેલ્લા પાંચ લોકસભા ઇલેક્શન વર્ષમાંથી ચાર વર્ષ એપ્રિલ મહિનામાં મજબૂતી જોવા મળી છે. 2009ના વર્ષના ઇલેક્શનમાં એપ્રિલમાં સૌથી વધુ 15 ટકાની તેજી જોવા મળી હતી.

બીજી તરફ છેલ્લા એક દાયકામાં આ ઇન્ડેક્સમાં કોઇપણ વર્ષે એપ્રિલમાં 3.65%થી વધુ ઘટાડો જોવા મળ્યો નથી. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં નિફ્ટી 50નું સરેરાશ રિટર્ન વાર્ષિક 2.3% રહ્યું છે. જોકે, આ સમયગાળા દરમિયાન, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 8 વખત વધ્યો છે અને તેનું સરેરાશ રિટર્ન વાર્ષિક ધોરણે 3.7% રહ્યું છે. જેએમ ફાઇનાન્શિયલના એક અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સે 9 વખત નિફ્ટી 50 ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. તેનું સરેરાશ રિટર્ન બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં 1.4% વધુ રહ્યું છે. પરંતુ છેલ્લા એક મહિનાથી મિડકેપ ઇન્ડેક્સનું પ્રદર્શન નિફ્ટી 50 કરતાં નબળું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *