રંગીલા રાજકોટવાસીઓ માટે ફરવાના સૌથી પસંદીદા સ્થળ શહેરના રેસકોર્સની રૂ.50 કરોડના ખર્ચે કાયાપલટ કરવાનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને તેના માટે માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાયો છે અને ટૂંક સમયમાં આ અંગેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવાનું આયોજન સત્તાધીશોએ હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટની જાહેરાત ચૂંટણીની જાહેરાત પૂર્વે કરી રાજકોટવાસીઓને વધુ એક ભેટ આપવાનું આયોજન સત્તાધીશોએ કર્યું છે.
જોકે આ બજેટની જોગવાઇ ન હોય સરકાર પાસે આ પ્રોજેક્ટ માટે અલગથી ગ્રાન્ટ મગાશે. રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ત્રણ મોટા પ્રોજેક્ટનું આયોજન કરાયું છે. જેમાં સ્માર્ટ સિટી એરિયામાં લાઇટહાઉસ પાસે મેટ્રો સિટીની પીજીને ટક્કર મારે તેવી વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ, શહેરના તમામ વિકાસકામો સમયસર પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અને રેસકોર્સની કાયાપલટના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જેમાંથી વર્કિંગ વુમેન્સ હોસ્ટેલનું ટેન્ડર પ્રસિદ્ધ થઇ ગયું છે. જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ 35 ઇજનેરને 11 માસના કોન્ટ્રાક્ટથી ભરતી કરવાની પ્રક્રિયાને પણ સ્ટેન્ડિંગની મંજૂરી મળી ગઇ છે.
જ્યારે હવે રેસકોર્સના કાયાપલટનો પ્રોજેક્ટ હાથ પર લેવાની કવાયત શરૂ કરાઇ છે. રંગીલા રાજકોટવાસીઓના સૌથી પ્રિય રેસકોર્સના મેદાનમાં 2015 બાદ કોઇ મેજર ફેરફાર કે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો નથી. છેલ્લે રેસકોર્સના મેદાનમાં માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ અને સ્વિમિંગ પૂલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રેસકોર્સના સમગ્ર સંકુલનું રિનોવેશન કરવા તંત્રે માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માટે તંત્રે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે અને હાલમાં અર્બન પ્લાનર ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે અને ગમે ત્યારે આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરાઇ તેવી શક્યતા છે.