અમદાવાદમાં વિદ્યાર્થીની થયેલી હત્યાના બનાવની હવે રાજકોટમાં પણ અસર થઇ છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર અનુસાર, હવેથી તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ, ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત કુલ આશરે 2000 શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે એક ખાસ ‘શિસ્ત સમિતિ’ની રચના ફરજિયાત કરવામાં આવી છે. આ સમિતિનો મુખ્ય હેતુ બાળકોની શાળા પ્રવૃત્તિઓ દરમિયાન અને તેની આસપાસના વિસ્તારમાં તેમની સલામતી જાળવવાનો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર, જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે ખાસ વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળાઓમાં સલામતી સમિતિની રચના ફરજિયાત કરવામાં આવી છે. આ સમિતિમાં શાળા પ્રિન્સિપાલ/શિક્ષકગણ, વાલીઓ, શાળાના તબીબી અધિકારી તથા વિદ્યાર્થી પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ શાળા પરિસરમાં તથા શાળા આસપાસના વિસ્તારોમાં થતા કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરશે.
વિદ્યાર્થીઓના વાલીઓને શાળા તરફથી સમયાંતરે સૂચનાઓ અને માર્ગદર્શન વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા મોકલવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી શિસ્તનો ભંગ કરે, તો તેના વાલીને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. આ પહેલ શાળાઓમાં સ્વસ્થ અને સલામત વાતાવરણ ઊભું કરવા માટે એક મોટું પગલું છે. આ પરિપત્રનું પાલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ શાળાઓ પર નિયંત્રણ રાખવામાં આવશે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ વધુ સુરક્ષિત અનુભવશે અને તેમના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.