ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના અધિકારીના આ વીડિયોને ગંભીરતાથી લઈ એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, સાથે ત્રણેય પીઆઈની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં નિમણૂક કરી દેવાઈ છે.
શું છે વાઇરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં 16 સેકન્ડનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક રૂમમાં ત્રણ પોલીસ-ઈન્સ્પેક્ટર સહિત બેથી ત્રણ ખાનગી લોકો જોવા મળી રહ્યા છે. આમાં બેથી ત્રણ લોકો વચ્ચે મારામારી થઈ રહી છે. જ્યારે અન્ય લોકો મારામારી કરી રહેલા લોકોને છૂટા પાડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
પોલીસ-ઈન્સ્પેક્ટરો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેને લઈ ખેડા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ‘ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક રૂમમાં કેટલાક માણસો મારામારી કરતા અને એકબીજાને છોડાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોનાં દૃશ્યો જોતાં એ લોકો પૈકી ત્રણ પોલીસ-ઈન્સ્પેક્ટર હોવાનું માલૂમ પડ્યું છે, જેનું શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન છાજે એવું વર્તન જણાતાં (1) પોલીસ-ઈન્સ્પેક્ટર નડિયાદ ટાઉન (2) પોલીસ-ઈન્સ્પેક્ટર નડિયાદ પશ્ચિમ (3) પોલીસ-ઈન્સ્પેક્ટર વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતાં ઉપરોક્ત ત્રણેય પોલીસ- ઈન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ કન્ટ્રોલ રૂમ ખાતે નિમણૂક કરવામાં આવી છે. વાઈરલ વીડિયોના આધારે ઉપરોક્ત તમામ જવાબદારો વિરુદ્ધ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય એ હેતુથી સદર વાઈરલ વીડિયો બાબતે નાયબ પોલીસ અધીક્ષક નડિયાદ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે. સદર તપાસના આધારે કસૂરવાર સામે શિસ્તવિષયક પગલાં લેવામાં આવશે.’