વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકાર તથા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન-ઇન્ડિયા દ્વારા સંચાલિત INSPIRE-MANAK યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ઑનલાઇન નામાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ દેશભરના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને નવીનતાની ભાવના વિકસાવવા તેમજ તેમના મૂળ અને સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાનો છે.
આ વર્ષે ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ તેમના શ્રેષ્ઠ મૂળ વિચારો અને નવીન શોધો E-MIAS વેબ પોર્ટલ (www.inspireawards-dst.gov.in) મારફતે મોકલી શકે છે. નોમિનેશનની અંતિમ તારીખ 15મી સપ્ટેમ્બર છે.
રાજ્યની તમામ શાળાઓને તેમની તરફથી પસંદ કરેલા 5 શ્રેષ્ઠ વિચારનો પ્રસ્તાવ મોકલવાનું રહેશે. પસંદ થયેલ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે તેમની શોધ રજૂ કરવાની તક મળશે તથા પુરસ્કારથી નવાજવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં એવોર્ડ તરીકે રૂ. 10,000 જમા થશે. તાજેતરમાં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન તરફથી મળેલી માહિતી મુજબ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં નોમિનેશનની સંખ્યા ખૂબ ઓછી છે.
સૌથી વધુ નોમિનેશન નવસારી 358 અને સુરત 299 જિલ્લામાં થયા છે, જ્યારે પોરબંદરમાં માત્ર 4, દેવભૂમિ દ્વારકા અને અમરેલીમાં 7-7, છોટાઉદેપુર અને મહીસાગરમાં 10-10 નોમિનેશન નોંધાયા છે. રાજકોટમાં 23, ભાવનગરમાં 79 અને અમદાવાદમાં 59 નોમિનેશન થયા છે.