રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર બીમારીથી પીડાતા 134 બાળકોની છેલ્લા સાત માસ દરમિયાન રાજ્ય સરકારની મદદથી સારવાર કરાવવામાં આવી છે. જેમાં હૃદયરોગ, કિડની અને કેન્સરની બીમારીથી પીડાતા બાળકોનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર વર્ષ 2024ના જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન હૃદયરોગની બીમારીથી પીડાતા 88, કિડનીની બીમારીથી પીડાતા 22 અને કેન્સરની બીમારીથી પીડાતા 24 બાળકોની અમદાવાદ અને અન્ય સ્પેશિયલ હોસ્પિટલોમાં રાજ્ય સરકાર દ્વારા સારવાર કરાવવામાં આવી છે.
આરોગ્ય વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજકોટ જિલ્લામાં હૃદયરોગ અને કેન્સરની બીમારીથી પીડાતા બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે આજ સમયગાળામાં હૃદયરોગની બીમારીથી પીડાતા 102 બાળકોની સારવાર કરાવવામાં આવી હતી અને બીમારીથી પીડાતા 27 બાળકોની સારવાર કરાવવામાં આવી હતી ત્યારે આ વર્ષે હૃદયરોગના બાળકોની સંખ્યામાં 14 અને કેન્સરની બીમારીથી પીડાતા બાળકોની સંખ્યામાં ત્રણનો ઘટાડો થયો છે.