નશાયુક્ત આયુર્વેદિક સિરપનું સેવન કરવાથી 7 લોકોના મૃત્યુ થયા બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર આ પ્રકારના પીણાં વહેંચાતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા વિંછીયા તેમજ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 116 નંગ સિરપની બોટલ કબ્જે કરવામાં આવી છે. પોલીસે હાલ આ સિરપની બોટલ સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે મોકલવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આલ્કોલનું વધુ પ્રમાણ જણાશે તો આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
116 બોટલો કબજે
રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નશાયુક્ત આયુર્વેદિક સિરપ જથ્થો ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન ચોક્કસ મળેલી બાતમીના આધારે વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રિયાંશી પાનની દુકાનમાંથી 79 નંગ સિરપની બોટલ મળી આવી હતી. જ્યારે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હરપાલ પાનની દુકાનમાંથી 37 નંગ સિરપની બોટલ મળી આવી હતી. જે મળી કુલ 17,100 કિંમતની 116 બોટલો કબ્જે કરી સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.