હવે બેંકો 2,000 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવી શકશે નહીં. RuPay ડેબિટ કાર્ડ દ્વારા 2,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર પણ કોઈ ફી લેવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સોમવારે આ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
₹2,000 થી વધુના વ્યવહારો પર ચાર્જ લેવાનો નિર્ણય NPCIની આગેવાની હેઠળની UPI અને સર્વિસિસ સ્ટીયરિંગ કમિટી કરશે. સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે.
નાણા મંત્રાલય અનુસાર, જો ભવિષ્યમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવે તો પણ, તે પણ એક નિશ્ચિત મર્યાદાથી વધુ રકમના ચૂકવણી પર અને ખૂબ જ નજીવા દરે જ લાગુ પડશે.
સરકારે એમ પણ કહ્યું કે આવી સ્થિતિમાં પણ શુલ્ક ડેબિટ કે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર લાગતા MDRની સરખામણીમાં ઘણો ઓછો હશે.
સરકારની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે તાજેતરમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં કરવામાં આવેલા સુધારા બાદ UPI વ્યવહારો પર શુલ્ક લગાવવાની આશંકાઓને લઈને ચર્ચા ચાલી રહી હતી.
UPI ને NCPI ઓપરેટ કરે છે
ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન RBI પાસે છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ્સનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) કરે છે. સરકારે 1 જાન્યુઆરી 2020 થી UPI ટ્રાન્ઝેક્શન માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.