રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂડા ટ્રાન્સપોર્ટ નગર સ્થિત વી.આર.એલ. લોજીસ્ટીક લિમિટેડ નામના ટ્રાન્સપોર્ટમાં હરિયાણાથી બેરલોમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા લોખંડના બેરલોની અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 4.80 લાખ કિંમતના કુલ 3,504 ચપલા કબજે કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, દારૂ સંતાડવા માટે ઉપયોગમાં લેવાયેલા 13 નંગ લોખંડના બેરલ મળી કુલ 4,81,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હરિયાણાના પાનીપત સ્થિત રિફાઇનરી રોડ પર આવેલ ‘ગણેશ ઓટો મોબાઇલ’ના માધ્યમથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો અને રાજકોટમાં હિતેશભાઈ નામના વ્યક્તિએ આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.