સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UGમાં 41,345 અને PGમાં 4483 વિદ્યાર્થીએ પ્રવેશ લીધા, રાજ્યમાં ચોથા ક્રમે

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષે પહેલીવાર GCAS પોર્ટલના માધ્યમથી એડમિશન પ્રક્રિયા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાની છેલ્લી તારીખ સુધીમાં અન્ડર ગ્રેજ્યુએટમાં 41,345 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા છે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટમાં 4483 એડમિશન થયા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌથી વધુ એડમિશન આપવામાં રાજ્યમાં ચોથા ક્રમે રહી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં સૌથી વધુ એડમિશન આપવામાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ 73,245 એડમિશન સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે. જ્યારે સૌથી ઓછા એડમિશનમાં માત્ર 192 પ્રવેશ સાથે સોમનાથ યુનિવર્સિટી સૌથી છેલ્લે રહી છે.

રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીમાં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે, કુલ 14 યુનિવર્સિટીમાં યુજીમાં 2,95,301 વિદ્યાર્થીએ પ્રવેશ લીધા છે, જ્યારે પીજીમાં 76,137 એડમિશન સાથે કુલ 3,71,438 પ્રવેશ આપવામાં આવ્યા છે. રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં આ વખતે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલના માધ્યમથી પ્રવેશ આપવામાં આવ્યા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી પણ પડી હતી. એડમિશન માટે વિદ્યાર્થીઓ પાસેથી રજિસ્ટ્રેશન ફી રૂ.300 લેવામાં આવી હતી. જોકે ઓછા પ્રવેશ થતા આ પોર્ટલ ફરી ખુલ્લું મૂકીને બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *