સિવિલમાં દર્દીને બ્લડ ચઢાવવા મામલે લાફા મારતા પરિચિતની ધરપકડ ન કરતી પોલીસ સામે રોષ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ પાર્થ પંડ્યા ઉપર હુમલો થયા પછી 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતાં જુનીયર ડોક્ટર એસોસિએશનમાં રોષ ફેલાઇ ગયો છે. ડોક્ટર પર હુમલો કરતો આરોપી ન પકડતા જુનિયર ડોકટર્સ એસોસિએશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હડતાળ શરૂ કરી દીધી છે. જેથી 200 જેટલા જુનિયર ડોક્ટર આજે બુધવારે સાંજે 6 વાગ્યાથી હડતાલ પર ઉતરી ગયા છે. હવે માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે તેવું જાહેર કરાયું છે.

પ્રાપ્ત વિગત મુજબ, તા.29 ના રાત્રીના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યા પીએમએસએસવાય બિલ્ડીંગના ત્રીજા માળે પોતાની ફરજ પર હતા ત્યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્લડ સંબધિત ચીઠ્ઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્યાને બેફામ માર માર્યો હતો.

આ બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકમા ડોક્ટર દ્વારા જયદીપ ચાવડા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે અયોધ્યા ચોકમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા શખ્સની શોધખોળ શરૂ કરી છે. જોકે આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તબીબોમાં રોષ ફેલાયો છે અને જુનિયર ડોક્ટર એસોસિએશનના 200થી વધુ તબીબોએ હડતાલનું એલાન કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં તબીબ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ જયદીપ ચાવડાના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને ડોક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે ગુરૂવારથી સિવિલ હોસ્પિટલમાં હડતાલને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *