આટકોટના વાહન લે-વેચના ધંધાર્થી સાથે રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણે છેતરપિંડી આચરી હતી. સસ્તામાં કાર આપવાની લાલચ આપી ધંધાર્થી પાસેથી રૂ.3 લાખ લઇ કાર આપી હતી. જોકે થોડીવાર બાદ આરોપીઓએ પોલીસમાં અરજી કરી કાર પરત મગાવી લઇ છેતરપિંડી આચરી હતી.
આટકોટમાં રહેતા અને કાર લે-વેચનું કામ કરતાં મુકેશભાઇ કડવાભાઇ વઘાસિયા (ઉ.વ.45)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં રહેતા મીત પૂજારા, તેના પિતા ચંદ્રવદન પૂજારા અને રિંકેશ પટેલના નામ આપ્યા હતા. મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ મહિના પહેલાં તેમના મિત્ર રવિભાઇની બલેનો કાર ઓનલાઇન વેચવા માટે મૂકી હતી જે બાબતે તા.13 માર્ચના તેમને રિંકેશ પટેલનો ફોન આવ્યો હતો અને બલેનો સામે અર્ટિકા ગાડી લેવી હોય તો ઉપરના પૈસા આપી દઇશું, મુકેશભાઇએ ના કહી હતી, થોડીવાર બાદ રિકેંશે ફોન કરી કાર લેવી હોય તો રૂ.3 લાખમાં આપીશ તેમ કહેતા મુકેશભાઇને કાર ખરીદવામાં રસ પડ્યો હતો. થોડીવાર બાદ રિંકેશે ચંદ્રવદન પૂજારાનો મોબાઇલ નંબર મોકલ્યો હતો અને વાતચીત થયા બાદ ચંદ્રવદને કાર જોવા રાજકોટ આવવા કહ્યું હતું.
મુકેશભાઇના મિત્ર સતિષભાઇ બોદરને ખરીદ કરવી હોય મુકેશભાઇ અને તેમના મિત્રો રાજકોટ ચંદ્રવદન પૂજારાના ઘરે કાર જોવા આવ્યા હતા. કાર પસંદ પડતાં મીત અને ચંદ્રવદન પૂજારાએ પેમેન્ટ બાબતે રિંકેશ પટેલ સાથે વાત કરવાનું કહેતા રિંકેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં તેણે મુંબઇ આંગડિયું કરવાનું કહેતા મુકેશભાઇએ જસદણ એચ.એમ. આંગડિયાથી રિંકેશ પટેલે કહ્યું તે મોબાઇલ નંબર પર રૂ.3 લાખ ચૂકવી આપ્યા હતા.