રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા શખસે જામીન પર છુટવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, ગત તારીખ 4-7-2025ના રોજ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને 150 ફૂટ રિંગરોડ પર ખોડિયારનગરમાં રહેતો આરોપી દર્શન ચંદુભાઈ મકવાણા અપહરણ કરી ગયો હતો
અને સગીરાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યાનો ગુનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી દર્શન ચંદુભાઈ મકવાણાની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.
જેલમાં રહેલા આરોપીએ જામીન ઉપર છૂટવા પોક્સો અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરતા સરકારી વકીલ મુકેશ પીપળિયાએ જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર પ્રકારનો ગુનો છે અને સગીરાની ઉંમર માત્ર 15 વર્ષની જ હોય તેને લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કરી
આરોપીએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરેલ હોય આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુના કરશે તે રજૂઆતને ધ્યાને લઈ પોક્સો અદાલતના સેશન્સ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ હતી.