છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં શેરબજારમાં જલ્દી રૂપિયા કમાવવાની ઘેલછા વધતી જોવા મળી રહી છે અને તેના જ પરિણામે અનેક યુવાનો લાખો રૂપિયા તો ગુમાવે જ છે પરંતુ, તેની સાથે-સાથે પોતાના જીવન સાથે પણ રમત રમી જાય છે અને તેનો ભોગ તેમના સ્વજનો બની જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં શહેરના કાલાવડ રોડ પર રહેતાં અને રૈયારોડ પર ઓફિસ ધરાવતાં 28 વર્ષીય કન્સ્ટ્રક્શનના ધંધાર્થી શેરબજારમાં રૂ.60 લાખ હારી જતાં પોતાની ઓફિસેથી ભેદી રીતે ગુમ થઈ જતાં પરિવારજનો દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધ કરાવવામાં આવી છે. હાલ પોલીસ ગુમનોંધ આધારે યુવાનની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર વિમલનગર મેઈન રોડ પર લોટ્સ એવન્યુમાં રહેતાં મહેશભાઈ ગોવર્ધનભાઈ કામરીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમનો 28 વર્ષીય પુત્ર યશ ગુમ થયાની જાણ કરી હતી, જેમાં તેમને જણાવ્યું હતું કે, તેઓ તેમના પુત્ર યશ સાથે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. પિતા-પુત્ર બંને રૈયારોડ પર આલાપ ગ્રીન રેસીડેન્સી સામે આવેલ તપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની ઓફિસ ધરાવી કન્સ્ટ્રક્શનને લાગતું કામકાજ કરે છે. ગત તા.27.08.2024ની સાંજે તેમનો પુત્ર યશ ઘરેથી ઓફીસ જવાનું કહીં કાર લઈ સાંજના ચાર વાગ્યે નીકળ્યો હતો. બાદમાં સાંજના છ વાગ્યાની આસપાસ તેઓએ એક કામ અર્થે તેના પુત્રને ફોન કરતાં તેમને હું જોઈ લવ છું તેમ કહીં ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં 7.30 વાગ્યાની આસપાસ ફોન કરતાં તેનો ફોન સ્વીચઓફ આવવા લાગ્યો હતો.