શુક્રવારે મનપાનાં તમામ આધાર કેન્દ્રો બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આગામી તારીખ 6 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતા ઓપરેટરો અને સુપરવાઈઝરો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. UIDAI દ્વારા આયોજિત “Universal client for master trainers” વિષય હેઠળની આ તાલીમ કલેક્ટર કચેરી ખાતે યોજાનાર છે. તમામ સ્ટાફ માટે આ તાલીમમાં હાજર રહેવું અનિવાર્ય હોવાથી એક દિવસ માટે જાહેર જનતા માટેની સેવાઓ સ્થગિત રહેશે.

તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આધાર પ્રક્રિયાને વધુ સચોટ અને આધુનિક બનાવવાનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાલીમ પૂર્ણ થયા બાદ બીજા દિવસથી તમામ કેન્દ્રો પર રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. રાજકોટના નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને તે મુજબ પોતાના કામનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે લોકો નં. 0281-2221640 પર સંપર્ક કરી શકે છે. જોકે મનપાનાં તમામ આધારકાર્ડ કેન્દ્રો શુક્રવારે આખો દિવસ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડશે.

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દબાણ હટાવ શાખાએ જાન્યુઆરીમાં કુલ ૧૦ આસામીઓને નોટીસ ફટકારી છે. જેમાં હેતલ હેપી હોમ, આત્મન પ્રી સ્કુલ, હરિકૃષ્ણ સીટી, હોટલ વીબી ઈન, જે.જે.ટુટોરીયલ્સ, સેન્ચુરી રીગાલીયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ, જે. ડી.મોલ અને જતન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ સાથે જ મનપાએ જાહેર કર્યું છે કે, રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ ઉપર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ.રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અનઅધિકૃત રીતે આવા બોર્ડ કે બેનર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *