રાજકોટ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રિવ્યૂ બેઠક કરી હતી. જેમાં સૌરાષ્ટ્રને લગતા પાણીના પ્રશ્નો અંગે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. શિયાળુ પાકને લઇ સિંચાઇની પૂરતી વ્યવસ્થા છે તેમ છતાં જ્યાં ખેડૂતોની માંગ હશે ત્યાં પાણી પહોંચાડવામાં આવશે.
સરદાર સરોવર ડેમમાંથી ધોળીધજા ડેમમાં અને તેના માધ્યમથી સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઇનું પાણી અપાઇ છે. આ ચારેય લિંકમાં જ્યાં હજુ થોડું ઘણું કામ બાકી છે ત્યાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં કેટલાક ખેડૂતોએ લિંક આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા તળાવ અને ડેમને જોડવા માટેની માગણી કરી હતી તેના માટે રિવ્યૂ કરી સરવે કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી કામગીરી સત્વરે શરૂ થાય.
જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણી માટે અનામત રાખી બાદ સિંચાઇ માટે આપવામાં આવશે. જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઇની યોજનાઓ, સ્ટેટ કે કેન્દ્રની યોજનાઓ અંતર્ગત જે કોઈ જગ્યાએ નવા ચેકડેમ બનાવવાના હોય, કોઈ જગ્યાએ તળાવ ઊંડા કરવાના હોય કે અન્ય કોઈ નાના-મોટા કામો કરવાના હોય તે બાબતે તાત્કાલિક સરવે કરી કામગીરી શરૂ કરાશે આ માટે અધિકારીને સાથે રાખી માહિતી મેળવવામાં આવી છે. એકાદ મહિનામાં બજેટ શરૂ થતા આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. જોકે ચેકડેમ કે તળાવ ઊંડા કરવાના હોય તે તમામ કામનો સરવે કરી કામગીરી શરૂ કરાશે.