15 વર્ષના વૈભવ સૂર્યવંશીના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચર્ચામાં છે. 10 વર્ષના આશીર્વાદે સમસ્તીપુરમાં રમાયેલી એક સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી. ક્રિકેટ એકેડમી તાજપુર તરફથી રમતા તેણે 87 બોલમાં 103 રન બનાવ્યા. આશીર્વાદે 20 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો. તેનો સ્ટ્રાઈક રેટ 118.39 રહ્યો.
રાઇટ હેન્ડેડ બેટર આશીર્વાદની આ ઇનિંગ્સની જાણકારી સૌથી પહેલા તેના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી શેર કરી. તેણે સદીનો ફોટો, વીડિયો અને સ્કોરકાર્ડ પોસ્ટ કર્યો. ઉજ્જવલે પોસ્ટ સાથે હાર્ટ ઇમોજી પણ શેર કરી.
આશીર્વાદની સદી પછી પિતા સંજીવ સૂર્યવંશીએ પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, મારા નાના દીકરા આશીર્વાદ સૂર્યવંશીએ આજે પ્રેક્ટિસ મેચમાં પોતાની પહેલી સદી ફટકારી. આપ સૌને વિનંતી છે કે આશીર્વાદ પર પણ પોતાનો પ્રેમ અને આશીર્વાદ આપતા રહેજો.
સંજીવ આ પહેલા પણ કહી ચૂક્યા છે કે તેઓ આશીર્વાદને પણ આવનારા બે વર્ષમાં વૈભવની જેમ એક શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવા માગે છે.
વૈભવની જેમ બેટિંગ કરે છે આશીર્વાદ
આશીર્વાદ સૂર્યવંશી બિહારમાં ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તે મોટા ભાઈ વૈભવની જેમ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આશીર્વાદની સદીની ઇનિંગ્સને કારણે ક્રિકેટ એકેડમી તાજપુરે 29.5 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા. ટીમ માટે શિવમ રાજે 75 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું. સદી પૂરી કર્યા પછી આશીર્વાદે હેલ્મેટ ઉતારીને ઉજવણી કરી. તેની તસવીરો વાઇરલ થઈ રહી છે.