સોશિયલ મીડિયામાં અવનવી રીલ્સ બનાવી ફોલોઅર્સ વધારવાની ઘેલછા પાછળ આર્થિક હિત સમાયેલું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. રેલનગરના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપ મનોજ ગોસ્વામી અને માલિયાસણના ધાર્મિક જગદીશ વાઘાણીની ધરપકડ કર્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ આગળ ધપાવતા આવા વધુ છ ઇન્ફ્લુએન્સરની યાદી તૈયાર થઇ હતી.
કાલાવડ રોડ પર જડ્ડુસ હોટેલની પાછળ રહેતા નિલેષ મનસુખ ચાવડા (ઉ.વ.28), નવાગામ સાત હનુમાન મંદિર નજીક રહેતા ભાવેશ મુકેશ રાઠોડ (ઉ.વ.25), શુકલ પીપળિયાના લક્ષ્મણ સુરેશ જીંજુવાડિયા (ઉ.વ.30), જંગલેશ્વરના રાધાકૃષ્ણનગરમાં રહેતા વિજય મનસુખ મજેઠિયા (ઉ.વ.32), ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શિવનગરના સાગર કિશોર છૈયા અને આરટીઓ પાછળની શ્રીરામ સોસાયટીમાં રહેતા ઇલેશ કિશોર ડેરવાડિયા (ઉ.વ.20) સામે ગુનો નોંધી તમામ છની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટમાં અવનવી રીલ્સ મૂકતા હતા અને ફોલોઅર્સ વધતા વેપાર ધંધાની જાહેરાતો કરી કમાણી પણ કરતા હતા. ત્યારબાદ આ શખ્સોનો ઓનલાઇન જુગાર રમાડતા શખ્સોએ સંપર્ક કર્યો હતો અને કમિશનની લાલચ આપતા આ શખ્સો પોતાના ઇન્સ્ટાગ્રામમાં જુગારને પ્રોત્સાહન આપતી જાહેરાતો કરતા હતા. આ તમામને કેટલું કમિશન મળ્યું હતું, કોના દ્વારા ચૂકવવામાં આવતું હતું, કેટલા સમયથી આ ગોરખધંધા ચલાવતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. આગામી દિવસોમાં વધુ કેટલાક શખ્સોની ધરપકડ થવાના નિર્દેશ પોલીસે આપ્યા હતા.