ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા યોજાઈ છે. જેમાં રાજકોટ શહેરમાં 37 કેન્દ્રો પરથી 8054 ઉમેદવારો એક્ઝામ આપવા માટે નોંધાયા હતા. પરીક્ષાનો સમય બપોરે 11 થી 1 વાગ્યા દરમિયાનનો છે. જોકે ઉમેદવારોને સવારે 9:00 વાગ્યાથી એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવાયું હતું. પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની હાજરી પાંખી જોવા મળી હતી. જ્યારે 1 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ છે.
પેપર અઘરું, ઉમેદવારોને સમય ઘટ્યો સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત ધવલ મારુએ જણાવ્યું હતું કે, DySO અને નાયબ મામલતદારની જગ્યા માટેની GPSCની પરીક્ષા યોજાઈ હતી. આજરોજ લેવાયેલ DYSOનું પેપર ઉમેદવારોને અઘરું જ લાગ્યું છે. સૌ પ્રથમ તો 200 માર્કસના આ પ્રશ્નમાં ઉમેદવારોને પેપર 2 કલાકની જગ્યાએ આખું પેપર સોલ્વ કરતાં 3 કલાક જેવો સમય લાગી જાય તેવું લાંબુ હતું , હવે આખા પેપરમાં ઉમેદવારોને ખાસ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના પ્રશ્નો સહેલા લાગ્યા, ઉમેદવારોને સૌથી અઘરું બંધારણ, અર્થવ્યવસ્થા અને સાયન્સ અને ટેકનોલોજીના પ્રશ્ન લાગ્યા, આ પેપરમાં વિદેશી સંબંધો અને ભારતની વિદેશનીતિના પ્રશ્નો ખુબજ અઘરા જ કહી શકાય તેવા હતા. એકંદરે પેપર ખુબ જ અઘરું હતું. આ પેપરનું મેરીટ નીચું રહી શકે તો નવાઈ નહીં , આ પરીક્ષાનું મેરીટ 80થી 85 આસપાસ રહી શકે એવું હાલ લાગી રહ્યું છે.