રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રેંકડી રાખવાના મુદ્દે બે પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં યુવક સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા પોલીસ દોડી ગઈ હતી અને રાત્રી બજાર બંધ કરાવવાની નોબત આવી હતી. બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માધવભાઈ પ્રકાશભાઈ ચાવડા (ઉ.વ. 23)એ પોલીસને જણાવ્યું હતું કે તેઓ રેસકોર્સ મેદાનમાં ‘ચટર પટર’ નામની ફૂડ કાર્ટ ચલાવે છે. તેમની સામે જ તેમના જીજાજી ઉદય શૈલેષભાઈ જોષીની ‘ડ્રીમ ફૂડ પોઈન્ટ’ નામની રેંકડી છે. દરમિયાન અગાઉ બાજુમાં સોડાની રેંકડી ચલાવતા મોહિતગીરી બટુકગીરી ગૌસ્વામી અને તેનો મિત્ર પરાગ પાઠક ઉદયભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
આરોપીઓએ રેંકડી હટાવી લેવાની ધમકી આપી પોતાની કાર્ટ આગળ મૂકી દીધી હતી. બાદમાં ઉશ્કેરાઈ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. મોહિતે લોખંડની સાંકળ વડે હુમલો કરતાં ઉદયભાઈના માથામાં ઈજા થઈ હતી અને બે ટાંકા આવ્યા હતા. વચ્ચે પડેલા માધવભાઈને પણ માર મારવામાં આવતા તેમને હાથ અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
15 વર્ષના પુત્રે ભણવાનું છોડી પાનની દુકાને કામ શરૂ કરતાં પિતાએ એસિડ પીધું રાજકોટમાં સંતાનના ભવિષ્યની ચિંતામાં એક પિતાએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા હરેશભાઈ લાખાભાઈ મકવાણા (ઉ.વ. 40)એ જામનગર રોડ પર એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ કડિયાકામની મજૂરી કરે છે. તેમનો 15 વર્ષનો પુત્ર અભ્યાસ છોડીને પાનની દુકાને કામે લાગી ગયો હતો.