રાજકોટમાં એચડીએફસી અરગો કંપનીના મેડિકલેઇમ ઉતરાવી રાજકોટની ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિંગના ખોટા એમઆરઆઇ રિપોર્ટના આધારે ડો.અંકિત કાથરાણી સહિતના આરોપીઓએ રૂ.22,49,587ની પોલીસી પકાવી લીધાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ કેસમાં પોલીસે ફિઝિયોથેરાપિસ્ટ આરોપી ડો.અંકિત કાથરાણી, હિમાંશુ ગોપાલભાઇ સહિત પાંચની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન આરોપી તરીકે સાગર રાજેશ પાનસુરિયાનું નામ ખુલ્યું હતું.
જે ફરાર થઇ ગયો હતો. આરોપીએ ધરપકડથી બચવા માટે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસમાં સરકારી વકીલ પરાગ શાહે એવી દલીલ કરી હતી કે, આરોપી સામે પ્રાઇમાફેસીસ કેસ છે. આરોપીએ ડો.વિપુલ બોડાના સહી સિક્કા ખોટી રીતે મેળવી ખોટી સહી મેડિકલ પેપર્સમાં કરી હતી.
આ કામે ડો.વિપુલ બોડાનું નિવેદન લેતા તેઓએ જણાવેલ હતું કે, મારા હોદ્દાના સિક્કા સાચા છે પરંતુ તેમાં કરેલી સહી મારી નથી. હું રાધે હોસ્પિટલમાં હતો ત્યારે હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા સાગર પાનસુરિયાએ ડો.અંકિત કાથરાણી પાસેથી રૂ.5200 મેળવીને બોગસ મેડિકલ પેપર્સ બનાવવામાં મદદગારી કરી હતી.
હાલના આરોપીએ નાણાકીય લાભ મેળવેલ છે અને તે આજદિન સુધી ભાગતા ફરે છે જે તેનું ગુનાહિત માનસ દર્શાવે છે તેવી સરકારી વકીલની દલીલો ધ્યાને લઇ અદાલતે આરોપી સાગર પાનસુરિયાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.