રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા ગઈકાલે 1-2-2026ના રોજ સંસ્થાના 49મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ MIG પ્રકારના ખાલી પડેલા 20 આવાસોની ડ્રો પદ્ધતિ દ્વારા લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી. આ આવાસ ફાળવણીની પ્રક્રિયા ચેરમેન તુષાર સુમેરા અને કલેકટર ડૉ. ઓમ પ્રકાશના હસ્તે સંપન્ન થઈ હતી, જેનાથી અનેક પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ ઉજવણીમાં માત્ર આવાસ ફાળવણી જ નહીં, પરંતુ સંસ્થા માટે વર્ષો સુધી સેવા આપનાર નિવૃત્ત કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, રૂડાના સી.ઈ.ઓ. જી.વી. મિયાણી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સમીર ધડુક અને સિટી એન્જિનિયર કે.કે. મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને જાહેરમાં ગંદકી ફેલાવતા તમામ વેપારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર તપાસ હાથ ધરીને કુલ 132 આસામીઓ સામે વહીવટી પગલાં લેવાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આ તમામ આસામીઓ પાસેથી કુલ રૂ. 44350નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. આ સાથે જ પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તથા ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરોના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઈજનેર, સેનીટેશન ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. આગામી સમયમાં પણ શહેરની સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આ પ્રકારે તપાસ ચાલુ રાખવામાં આવશે.