રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં તળાવ પાસે સરકારી જમીનમાં ખેતી કરી ખેતરમાં રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખનાર આરોપી રાજુભાઈ છગનભાઈ જમોડ (ઉ.વ.42)ને નાર્કોટીકસ એકટની જોગવાઈ મુજબ રાજકોટના અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી 4 વર્ષની સખ્ત કેદની સજા અને ₹40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સરકારી જમીનમાં ખેતી કરી ગાંજાની ઉપજ લેવાતી હતી 16 ફેબ્રુઆરી, 2023ના રોજ SOG PI કે.બી. જાડેજાને બાતમી મળી હતી કે, વીંછીયા તાલુકાના રેવાણીયા ગામે તળાવ પાસે સરકારી જમીનમાં ખેતી કરી ગાંજાની ઉપજ લેનાર આરોપી રાજુભાઈ જમોડે ગાંજાનો એક મોટો જથ્થો વેચાણ માટે પોતાના પાસે રાખ્યો છે. બાતમી મળતા પી.આઈ. જાડેજાએ રેડ કરવા માટેની પ્રાથમિક કાર્યવાહી પુર્ણ કરી વીંછીયાની મામલતદાર કચેરીમાંથી બે કર્મચારીને પંચ તરીકે સાથે રાખી રાજુભાઈ જમોડના કબ્જાવાળી સરકારી જમીન ઉપર રેઈડ કરી હતી. આ ખેતરમાં કાચા બાંધકામવાળા બે રૂમ જોવા મળ્યા હતા. જેનો દરવાજો ખખડાવતા અંદરથી રાજુભાઈ જમોડ બહાર આવ્યા હતા. જેથી રેડીંગ ઓફિસરે આ રાજુભાઈને કાયદા મુજબના આરોપી તરીકેના હક્કોથી માહિતગાર કરી તેમના હસ્તકના રૂમની તપાસ કરી હતી.
કાળા કલરના કોથળામાંથી ગાંજો મળી આવ્યો તપાસ દરમિયાન એક રૂમમાં અનાજ ભરવાની પેટીની બાજુમાં કાળા કલરના કોથળામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આ પદાર્થનું સ્થાનિક FSL અધિકારી મારફતે પરીક્ષણ કરાવી આ પદાર્થનુ વજન કરાવતા તે 5 કિલો 280 ગ્રામ નોંધાયું હતું. આ ઉપરાંત માદક પદાર્થ રાખવા આરોપી પાસે કોઈ પાસ, પરમીટ કે આધાર ન હોવાથી તેની પંચનામાની કાર્યવાહી બાદ જપ્ત કરવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસના અંતે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.