રાજકોટ લોકમેળાનો 7.50 કરોડનો વીમો

શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.24થી તા.28 ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમાની રકમ રૂ.5 કરોડ ઉપરથી વધારીને રૂ.7.50 કરોડ કરવાનો નિર્ણય કરાયો છે.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહ્યું છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને સાડા સાત કરોડની કરાઇ છે. ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે 5 એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે 5 ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. રોજના 100 સિક્યુરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિક્યુરિટી સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસિબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે. સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કિંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *