રાજકોટ મનપાનાં ચોપડે કમળાનાં 3, ટાઇફોઇડ 2 અને ડેંગ્યુનાં 5 કેસ

રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર નથી. ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 3 અને ટાઇફોઇડનાં વધુ 2 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 દર્દી સામે આવ્યા છે. મેલેરિયા, ચિકનગુનિયાનાં કોઈપણ કેસ નોંધાયા નથી. સાપ્તાહિક આંકડા અનુસાર શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1,755 દર્દીઓ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીમાં ક્લોરીનેશનની ચકાસણી તેમજ ફોગીંગ અને પોરા નાશક કામગીરી ઝડપી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,755 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 867 કેસ, ઝાડા-ઉલટીનાં 109 કેસ, સામાન્ય તાવનાં 769 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોઇડ તાવનાં 2 અને કમળાનાં પણ વધુ 3 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 કેસ નોંધાયા હતા. જોકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,500 કરતા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *