રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 3 અને ટાઇફોઇડનક પણ વધુ 2 કેસ નોંધાયા છે. સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1,624 દર્દી નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અને પાણીજન્ય રોગચાળો અટકાવવા ઠેર-ઠેર ક્લોરીન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. તો ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને પોરા નાશક કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,624 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 788 કેસ, ઝાડા-ઉલટીનાં 107 કેસ, સામાન્ય તાવનાં 720 કેસ નોંધાયા છે. અને સતત 28માં સપ્તાહે પણ જોખમી એવા ટાઇફોઇડ તાવનાં 2 અને કમળાનાં પણ વધુ 3 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ અને મેલેરિયાનાં વધુ 2-2 કેસ નોંધાયા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.