પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સુરક્ષા અને ક્રૂ કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં ‘સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર’ વિકસાવીને ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક સિમ્યુલેટર લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલનની જીવંત તાલીમ પૂરી પાડશે. આ ડિજિટલ ઇનોવેશનથી પાયલટોની કાર્યક્ષમતા, માનસિક સતર્કતા અને કટોકટીના સમયે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે, જેનાથી ટ્રેન અકસ્માતો નિવારી શકાશે અને મુસાફરોની સુરક્ષા વધુ સુદ્રઢ થશે.
પ્રતિકૂળ હવામાન અને જટિલ પરિસ્થિતિઓનું આબેહૂબ સિમ્યુલેશન રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિમ્યુલેટર વાસ્તવિક રેલ માર્ગોના હાઈ-ડેફિનેશન વીડિયો અને AI આધારિત રિયલ-ટાઇમ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમ પ્રક્રિયાને પ્રભાવશાળી બનાવે છે. આ સિસ્ટમમાં દિવસ-રાત, ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ જેવી જટિલ પરિસ્થિતિઓનું આબેહૂબ સિમ્યુલેશન ઉપલબ્ધ છે. આનાથી લોકો પાયલટ વાસ્તવિક ટ્રેન ચલાવતા પહેલા જ પડકારજનક કુદરતી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સક્ષમ બનશે, જેથી ખરાબ વાતાવરણમાં પણ ટ્રેન નિર્ધારિત સ્પીડ અને સુરક્ષા સાથે સમયસર ચાલી શકશે.
કટોકટી વ્યવસ્થાપન અને ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવે જણાવ્યું કે, આ સિમ્યુલેટરમાં અચાનક પશુ સાથે અથડામણ, પાટા પર વ્યક્તિનું આવી જવું, સ્પીડ રિસ્ટ્રિક્શન ઇન્ડિકેટર્સનું પાલન કરવું અને સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર (SPAD) જેવી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિઓની ઘનિષ્ઠ પ્રેક્ટિસ કરાવાય છે. આનાથી પાયલટોના રિસ્પોન્સ ટાઈમ, ઈમરજન્સી બ્રેકિંગ અને સ્પીડ કંટ્રોલમાં સુધારો થશે. તાલીમ સત્ર પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા આપોઆપ જનરેટ થતા ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટની મદદથી ટ્રેનર્સ પાયલટોની નાની-મોટી ભૂલોને સરળતાથી સુધારી શકશે.
ઓપરેશનલ જોખમ વિના આર્થિક બચત અને આત્મવિશ્વાસમાં વધારો આ નવીન ટેકનોલોજીકલ સિસ્ટમ કોઈ પણ પ્રકારના ઓપરેશનલ જોખમ કે આર્થિક નુકસાન વિના સુરક્ષિત અને કરકસરયુક્ત તાલીમ પર્યાવરણ પૂરું પાડે છે. વાસ્તવિક ટ્રેન પર તાલીમ આપવાની જોખમી અને ખર્ચાળ પ્રક્રિયાના બદલે સિમ્યુલેટરના ઉપયોગથી રેલવેના ઈંધણ અને સંશાધનોની મોટી બચત થાય છે. આ પદ્ધતિથી તાલીમ મેળવતા પાયલટો ભૂલ કરવા છતાં સુરક્ષિત રહીને પોતાની ભૂલોમાંથી શીખી શકે છે, જે તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. પરિણામે, રાજકોટ ડિવિઝનની તમામ ટ્રેનોનું સંચાલન વધુ વિશ્વસનીય અને કાર્યક્ષમ બનશે.