રાજકોટ કલેકટર કચેરી-કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી અને કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજકોટ શહેર SOG પોલીસ, યુનિવર્સિટી પોલીસ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બંને જગ્યાએ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

હાલ બનાવ અંગે ઈ-મેલ મારફતે મળેલી ધમકી અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ પોલીસ છેડતી અંગે ફરિયાદ લેતી ન હોવાથી રોષે ભરાઈ માઉવાદીઓ સાથે મળી બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો ઇ-મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી કોર્ટ બિલ્ડિંગ અને જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે વહીવટી તંત્ર અને કોર્ટના સત્તાધીશો દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક રાજકોટ શહેર SOG પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કોર્ટ બિલ્ડિંગ અને જિલ્લા કલેક્ટર કચેરીએ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. ધમકી ભર્યા ઈ-મેલ અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *