રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક 13 ફ્લાઈટની ઉડાન, 4000 મુસાફરોનું આવાગમન

રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટની એર ફ્રિકવન્સીમાં વધારો થતાં દર માસે હવાઈ યાત્રિકોની સંખ્યામાં ઉમેરો થઈ રહ્યો છે. ગત જુલાઈથી ડિસેમ્બર 2025ની 6 માસમાં 6 લાખને પાર પહોંચી ગઈ છે. ડિસેમ્બરમા 1.15 લાખ મુસાફરોએ હવાઈ ઉડાન કરી હતી. એરપોર્ટ પરથી દૈનિક 13 ફ્લાઈટ ઉડાન ભરતા 4000 મુસાફરોનું આવાગમન થઈ રહ્યુ છે.

ડિસેમ્બર માસમાં 1.15 લાખ મુસાફરો નોંધાયા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ડિસેમ્બર માસમાં 59,387 આગમન અને 55,953 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 1,15,340 મુસાફરો નોંધાયા હતા. સાથે ડિસેમ્બર માસમાં 351 ફલાઈટ ઉડી હતી, જેમાં હવાઈ મુસાફરોએ સફર માણી હતી. ગત નવેમ્બર માસમાં 1,22,510 મુસાફરો નોંધાયો હતો. ગત જન્માષ્ટમી, દિવાળી, નૂતન વર્ષના તહેવારો, નાતાલ પર્વની રજાઓમાં ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દેશ-વિદેશના પ્રવાસીઓ હવાઈ મુસાફરી પસંદ કરતા સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની સેવાનો વ્યાપ વધારતા ડેઈલી 12થી 13 ફલાઈટના ઉડ્ડયનમાં સરેરાશ 4000થી વધુ મુસાફરોનું આવાગમન થઈ રહ્યું છે.

હિરાસરમાં સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગત ઓકટોબર માસની 25મી તારીખ સુધી દૈનિક 9થી 10 ફલાઈટ ઉડાન ભરતી હતી, પરંતુ તા. 26 ઓકટોબરથી વિન્ટર શિડયુલ અમલી થતા દૈનિક ડેઈલી ફલાઈટની સંખ્યા 13 સુધી પહોંચી જતા હવાઈ સેવાનો વ્યાપ વધતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના એરપોર્ટમાં હાલ ડેઈલી દિલ્હી-4, મુંબઈ-5, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા 1-1, પુના સપ્તાહમાં ત્રણ દિવસ ઉડતા સૌરાષ્ટ્રના, ઉદ્યોગકારો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પર્યટકોને હવાઈ સેવા ઉપયોગી નિવડી છે.

દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂના, બેંગ્લોર કનેકટીંગ મળી સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓને વિદેશ જવા કનેકટીંગ ફલાઈટ માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂના, બેંગ્લોર જવા સરળતા મળી છે. બીજી તરફ દેશ-પરદેશમાંથી આવતા એન.આર.આઈ. પ્રવાસીઓને સૌરાષ્ટ્રના યાત્રાધામ, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ (ગિરનાર), સાસણ સફારી પાર્ક, સત્તાધાર, વિરપુર, કનકાઈ, પોરબંદર, કીર્તિમંદિર, જેવા સ્થળોએ પહોંચવા રાજકોટ એરપોર્ટની હવાઈ સેવા વધુ અનુકુળ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *